જૂનાગઢ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલાડીઓને શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા તથા શિક્ષણના સમન્વય સાથે જુદા જુદા માધ્યમોથી સ્પોર્ટ્સ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન હાથ ધરવામાં આવે છે. જે અનુસંધાને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં આજરોજ જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા તથા જૂનાગઢ મહાનગર પાલિકા ના ૯૦ ભાઈઓ તથા ૮૩ બહેનોએ વિશેષ ઊંચાઈ ધરાવતા પ્રતિભાશાળી ખેલાડી તરીકે પસંદગી કરવા માટે ભાગ લીધો હતો. જેમાં હાઈટ હંટ ટેસ્ટમાં મેરીટના આધારે પસંદગી પામેલા ખેલાડીઓનો રાજ્ય કક્ષાએ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ મેરીટ મુજબ ડીસ્ટ્રીક લેવલ સ્પોટ સ્કૂલમાં પસંદગી કરવામાં આવશે જેમાં પસંદ થયેલા ખેલાડીઓને ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની યોજના હેઠળ નિષ્ણાંતો દ્વારા પ્રતિભાશાળી ખેલાડીને અનુરૂપ એથ્લેટીક્સ, વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ જેવી રમતોમાં વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવશે, અને નિવાસી શાળામાં પ્રવેશ આપી વિનામૂલ્ય શિક્ષણ, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો સ્પોર્ટ્સ કીટ પૂરા પાડવામાં આવશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)