રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર અને ભારત સરકારના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનીકેશન (NCSTC) ના સહયોગથી આગામી તારીખ ૨૨ થી ૨૮મી ડીસેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪’ની ઊજવણી અંતર્ગત વિવિધ ગણિતને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે તારીખ ૨૨ ડીસેમ્બર ના રોજ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ ની ઊજવણી કરવામાં આવે છે. ૨૦૧૨માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિહે ચેન્નાઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી જન્મ જયંતી નિમિતે મદ્રાસ યુનિવર્સિટીમાં સમારોહનું આયોજન કર્યું હતું, ત્યારે શ્રીનિવાસ રામાનુજનને શ્રધાંજલિ અર્પિત કરતા ૨૨ ડીસેમ્બરને, ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ જાહેર કરવામાં આવ્યો. શ્રીનિવાસ રામાનુજન ગણિતમાં અભૂતપૂર્વ રુચિ ધરાવતા હતા. તેના પરિણામે તેમણે વિશ્વને અપૂર્ણાંક, અનંત શ્રેણી, નંબર થીયરી, ગણિતશાસ્ત્ર વિશ્લેષણ વગેરે આંતરિક ગણિતના વિષયોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપીને ગણિતના ઇતિહાસમાં અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ તારીખ ૨૨ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન સાત દિવસીય રાષ્ટ્રીય ગણિત દિવસની ઊજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીમાં દરરોજ જ્ઞાન સાથે ગમ્મત પીરસતી પ્રવૃત્તિઓનું જાહેર જનતા અને વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ છે. આ પ્રવૃત્તિઓમા રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની ટીમ દ્વારા તૈયાર કરાયેલ ગણિતને લગતી વિવિધ ફ્ન એન્ડ લર્ન પ્રવૃત્તિઓ જેવી કે, મેજીક નમ્બર ગેમ, મેપ વિથ મેથ્સ – મેપ બનાવવાની પ્રવૃત્તિ, પાઈ પઝલ, ફીબોનાકીનું ગણિત, પથ્થરો દ્વારા આડી હરોળ અને ઉભી હરોળ, પિઝ્ઝા પાઈનું ગણિત તેમજ એક્ષ્પર્ટ દ્વારા વિવિધ વર્કશોપ વિગેરે સામેલ થાય છે. આ પ્રવૃત્તિઓ તારીખ ૨૨ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન આયોજીત કરવામાં આવશે તથા આ સાત દિવસ દરમિયાન દરરોજ સાંજે ૫:૦૦ કલાકે રામાનુજન પરની ફિલ્મ રજુ કરવામાં આવશે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે તારીખ ૨૨ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન આયોજીત ‘રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪’ ની તમામ પ્રવૃત્તિઓ મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે વિનામુલ્યે રાખવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક તમામ મુલાકાતીઓને “સ્પેશિયલ ઇવેન્ટ – નેશનલ મેથેમેટિક્સ વીક સેલીબ્રેશન (૨૨ થી ૨૮ ડિસેમ્બર)” વિકલ્પ પસંદ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કાર્યક્રમમાં ભાગ લેવાં આવનાર મુલાકાતીઓએ ફક્ત સેન્ટરની એન્ટ્રી – પાર્કિંગ ટિકિટ લેવાની રહેશે અને જે-તે દિવસના નિયત દરો લાગુ પડશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ માટે તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની ૩૮ નંબરની સીટી બસ સેવા શરૂ કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકો તથા શાળાઓએ જોડાવવા સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે સેન્ટરના ફોન નં : ૦૨૮૧-૨૯૯ ૨૦૨૫ પર સંપર્ક સાધવો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન લીંક https://bit.ly/rscnmd2024 છે. નીચે આપેલ QR કોડ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)