રાજ્યભરમાં રસ્તા અને પુલોના સમારકામ માટે મુખ્યમંત્રીના દિશા-निर्दેશમાં પ્રો-એકટીવ અભિગમ.

અમદાવાદ/જૂનાગઢ: રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ અને પુલોના વધતા નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં ભરીને માર્ગ અને મકાન વિભાગને દરેક તબક્કે ચેતવણી સાથે કાર્ય કરવા કડક સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત આ સ્તરે પ્રો-એકટીવ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરો, ડીડીઓઝ અને મહાનગરપાલિકા કમિશનરો દ્વારા જાતે સ્થળ પર જઈ માર્ગ અને પુલોની સ્થિતિનું નિરીક્ષણ કરીને તાકીદભરી કામગીરી શરૂ કરાઈ છે. જુનાગઢમાં 480 પુલોનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે, જેમાંથી છ પુલો સલામતીના ભાગરૂપે બંધ કરાયા છે. રાજકોટ, વડોદરા, નવસારી, સુરત, જામનગરથી લઈને અમરેલી, મોરબી, બનાસકાંઠા અને ગાંધીનગર સુધીના તમામ મહત્વના વિસ્તારોમાં તંત્રએ ઝુંબેશરૂપે સમારકામ શરૂ કર્યું છે.

વડોદરામાં ડભોઇ, છોટાઉદેપુરમાં ઓરસંગ-મેરિયા અને ભારે વરસાદથી નદી પરના પુલોની તાત્કાલિક સમીક્ષા કરી તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં તાપી નદી ઉપરના બ્રિજના જોયન્ટ રિપેરને લઈ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે, જયારે અમદાવાદ, ગાંધીનગરમાં બ્રિજ અને રસ્તાઓના ઓડિટ માટે વિશેષ ટીમો ગઠિત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ભાદર બ્રિજ સહિતના પુલ ઓવરલોડ વાહનો માટે બંધ કરાયા છે. જામનગર, પાટણ, મહેસાણા, બોટાદ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પુલોની માળખાકીય સુરક્ષા ચકાસી તેને બળવત્તર બનાવવાના પ્રયત્નો શરૂ છે.

આ સમગ્ર કામગીરીને મુખ્યમંત્રીશ્રીના દિશા-निर्दેશ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી યુદ્ધના ધોરણે આગળ વધારવામાં આવી રહી છે, જેથી જનહિતના હેતુ સાથે વાહનચાલકો અને નાગરિકોની સલામતી નિશ્ચિત કરી શકાય.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.