રાજ્યમાં ખેડૂતોને પૂરતું ખાતર સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સતર્ક – વિતરણ પર રાજ્ય કક્ષાએથી દેખરેખ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ.

વેરાવળ–સોમનાથ: રાજ્યમાં સારા વરસાદના કારણે ખરીફ પાકોના વાવેતરમાં ઝડપ આવી છે અને રાજ્યમાં અંદાજે ૬૧ ટકા જેટલું વાવેતર સમય પહેલા પૂર્ણ થયું છે. આવા સમયમાં ખેડૂતોને ખાતર સમયસર અને પૂરતી માત્રામાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક અને સુસંગત આયોજન શરૂ કર્યું છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે ખાતરના વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય કક્ષાએથી દેખરેખ હેઠળ છે. સપ્લાય પ્લાન મુજબ યુરિયા, ડીએપી અને એનપીકેકે જેવા રાસાયણિક ખાતરના જથ્થાનો જિલ્લાવાર અને તાલુકાવાર વિતરણ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી ખાતરના પુરવઠા માટે તબક્કાવાર જથ્થો આપવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં ક્યાંય પણ ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તે માટે સરકારે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. જિલ્લા અને તાલુકા સ્તરે ખાતર વિતરણની સતત દેખરેખ રાખવામાં આવે છે. વધુ ભાવે વેચાણ થતું અટકાવવા માટે અધિક કલેકટર કક્ષાના વિશેષ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.

ખાતર વિતરણ અંગે કોઈ ફરિયાદ કે રજૂઆત થાય તો તે અંગે માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે, જેથી ખેડૂતોની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી શકાય. કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો છે કે તેઓ જરૂર કરતાં વધુ ખાતર ન ખરીદે તથા વણજોઈતી સંગ્રહખોરી ટાળે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાક અનુસાર યોગ્ય ખાતરનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. ઉદાહરણ તરીકે, મગફળીના પાકમાં વધુ ઉત્પાદન માટે નાઇટ્રોજન યુક્ત યુરિયાનો વધુ ઉપયોગ ટાળવો જોઈએ. તે સિવાય, ડાંગર જેવા પાક માટે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતર ઉપયોગી સાબિત થાય છે.

राज्य सरकारના મતે ખેતીને આધારભૂત બનાવવી અને ખેડૂતોને સમયસર સહાયતા આપવી એ તેમનો મુખ્ય હેતુ છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ