રાજ્યમાં પ્રથમવાર “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા–૨૦૨૫” : ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી’ થીમ આધારિત પંડાલોને મળશે લાખોની ઇનામી રકમ.

રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫” યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.

કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, આ સ્પર્ધા હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલોને કુલ રૂ.૫૨.૫૦ લાખના પુરસ્કારો એનાયત કરવામાં આવશે. જેમાં,

  • પ્રથમ ક્રમના પંડાલને રૂ.૫ લાખ

  • બીજા ક્રમને રૂ.૩ લાખ

  • ત્રીજા ક્રમને રૂ.૧.૫૦ લાખ
    અને વધારાના પાંચ પંડાલોને રૂ.૧ લાખના પ્રોત્સાહન પુરસ્કારો આપવામાં આવશે.

ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તેમજ અન્ય ૨૯ જિલ્લાઓમાં પણ આ જ રીતે શ્રેષ્ઠ ત્રણ પંડાલોને ઇનામ આપવામાં આવશે.


મૂલ્યાંકન માટેના માપદંડ

  • પંડાલનું સુશોભન અને સામાજિક સંદેશ

  • ઇકો–ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી

  • ઓપરેશન સિંદૂર’ થીમ પર આધારિત દેશભક્તિની અભિવ્યક્તિ

  • વડાપ્રધાનના ‘સ્વદેશી’ આહ્વાન હેઠળ સ્થાનિક ચીજવસ્તુઓનો ઉપયોગ

  • પંડાલનું સ્થાન (ટ્રાફિક અને જાહેર અવરજવર પર અસર ન પડે તે રીતે)

  • વહીવટી મંજૂરી અને પંડાલ દ્વારા થતી અન્ય લોકજાગૃતિ પ્રવૃત્તિઓ

સ્પર્ધામાં ભાગ લેવા આયોજક મંડળોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીમાંથી ફોર્મ મેળવી, સમયસર અરજી કરવી જરૂરી રહેશે.


કલેક્ટરની અપીલ

કલેક્ટર ઉપાધ્યાયે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને આહ્વાન કર્યું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લઈ ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર પંડાલો તૈયાર કરે અને દેશના વીર જવાનોના શૌર્યને બિરદાવે.

તેમણે કહ્યું કે આ પહેલ રાજ્યમાં પ્રથમવાર થઈ રહી છે, જે સૈનિકોના મનોબળને મજબૂત બનાવશે અને યુવાનોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યેનો અભિગમ મજબૂત કરશે.

📍અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ