લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી.

સુરત:

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે.

સ્માર્ટ કલાસ પ્રોજેક્ટ થકી બંદિવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત થશેઃ

બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)