વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જામનગરમાં લોખંડી સુરક્ષા, એસપીજી કમાન્ડો તહેનાત!!

જામનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે, અને તે અંતર્ગત જામનગરના સર્કિટ હાઉસ ખાતે તેમના રાત્રિ રોકાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનના આ આગમનને લઈને જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને સર્કિટ હાઉસ અને લાલ બંગલા પરિસરમાં એસપીજી (Special Protection Group) કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે, અને સમગ્ર વિસ્તારને લોખંડી સુરક્ષા કવચથી આવરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાનનો કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થા: જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 7:00 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન પર પહોંચશે, જ્યાંથી મોટર કાફલા સાથે તેઓ સર્કિટ હાઉસ તરફ જશે. આ માટે રાજ્ય અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ ગત રાત્રે સમગ્ર માર્ગ પર ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું.

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ અને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. એસપીજી કમાન્ડો, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સહિતના દળોની તહેનાતી કરાઈ છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રૂટ પર 25થી વધુ પોલીસ વાહનો, 108 એમ્બ્યુલન્સ, ફાયર ફોર્સ સહિતનો કાફલો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

જામનગરના રાજવી સાથે મુલાકાત અને ખાસ આયોજન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત દરમિયાન તેઓ જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજીના જન્મદિવસ નિમિત્તે પાયલોટ બંગલા ખાતે શુભેચ્છા પાઠવશે. આ સ્થળે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાંથી વડાપ્રધાન સર્કિટ હાઉસ તરફ પરત જશે.

જામનગર શહેરમાં ખાસ વ્યવસ્થાઓ: જામનગર શહેરમાં વડાપ્રધાનના રુટ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આમ જનતાને અનાયાસ અવરજવર ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાયો છે. જ્યારે લોકોએ વડાપ્રધાનને અભિવાદન કરી શકે તે માટે દિગ્જામ સર્કલથી લાલ બંગલા સુધી વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.

વડાપ્રધાનની આગલી કાર્યક્રમો અને આગામી યાત્રા: વડાપ્રધાન મોદી આજે રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે વહેલી સવારે એરપોર્ટ પર જશે અને હેલિકોપ્ટર મારફતે રિલાયન્સના પરિસરમાં પ્રવાસ કરશે. ત્યારબાદ તેઓ ગીર સાસણ તરફ રવાના થશે, જ્યાં પ્રાકૃતિક પર્યાવરણ અને સિંહ અભયારણ્યના પ્રોજેક્ટ અંગે નિરીક્ષણ કરશે.

અહેવાલ: ગુજરાત બ્યુરો.