શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આરામદાયક મુસાફરીમાં ઉમેરો
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે દાહોદથી રૂ. 24,000 કરોડના વિકાસ કાર્યક્રમોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલી વેરાવળથી સાબરમતી વચ્ચેની ‘વંદે ભારત’ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવી.
સાંસદ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, સોમનાથ, ગીરનાર અને સાસણ જેવા સ્થળોએ પ્રવાસન વિકસાવવા કનેક્ટિવિટી મહત્વપૂર્ણ છે, જેમાં ‘વંદે ભારત’ ટ્રેન મહત્વનો કડીરૂપ સાબિત થશે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આરામદાયક અને ઝડપી મુસાફરી સુનિશ્ચિત થશે. રેલવે ડી.આર.એમ. રવિશકુમારે ટ્રેનની સુવિધાઓ અને રૂટ અંગે માહિતી આપી.
ટ્રેન નંબર 26901/26902 ‘વંદે ભારત’ હવે ગુરુવાર સિવાય દરરોજ બપોરે 2:30 કલાકે વેરાવળથી પ્રસ્થાન કરશે અને રાત્રે 9:30 વાગ્યે સાબરમતી પહોંચશે. સ્ટોપેજમાં જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ શામેલ છે.
આજની ‘વંદે ભારત’ ટ્રેન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે – જેમાં રિક્લાઈનિંગ સીટો, બાયો ટોઇલેટ્સ, CCTV કેમેરા, ઓટોમેટિક દરવાજા અને મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સગવડો ઉપલબ્ધ છે.
આ અવસરે વિભિન્ન રાજકીય પ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી રહી હતી.