વાઘોડિયા : પતિ-પત્નીના ઝગડામાં પતિએ લોખંડની કોસથી પત્નીનો કરેલું હત્યાકાંડ, પોલીસે કલાકમાં આરોપી પતિને ઝડપી લીધો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે ઘરના કામકાજના મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડો લોહિયાળ અંતે પહોંચ્યો હતો. પતિએ લોખંડની કોસના ઘા મારી પોતાની જ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મગનભાઈ ચતુરભાઈ તડવીની પુત્રી સોનલબેન પતિ પુનમભાઈ અને બે બાળકો સાથે પિયેરમાં વેકેશન માટે આવી હતી. મકાનના પાછળના ભાગે અડાસ (મકાન સંલગ્ન તટસ્થ જગ્યા) બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું ત્યારે ઘરકામને લઈને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ.

ઝગડો વધતાં પુનમભાઈએ લોખંડની કોસથી સોનલબેનના માથા પર ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સોનલબેનના ચીસાં સાંભળીને પિતા મગનભાઈ, મોટી દિકરીના પતિ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટરોએ સારવાર દરમ્યાન સોનલબેનને મૃત જાહેર કરી.

મગનભાઈએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પોતાનાં જમાઈ પુનમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી પતિ પુનમભાઈને દબોચી જેલ હવાલે કર્યો છે.

હમણાંહમણાં થયેલા આ ઘટનાએ સમાજને હચમચાવી દીધું છે, અને લગ્ન જીવનમાં સહનશીલતા અને સમજદારીના અભાવે કેટલાય પરિવાર તૂટી રહ્યા છે તેવું પણ ચિંતન જગાવતું બની ગયું છે.

રિપોર્ટર: હર્ષ પટેલ, વડોદરા