મોરબી
મોરબી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.આજ રોજ મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCEએ જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે, VCEનું કામ પંચાયત કચેરીમાં બેસીને કરવાનું છે.
જ્યારે એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ફિલ્ડમાં જઈને કરવાની છે. તો જો VCE ફિલ્ડમાં જઈને સર્વે કરશે તો પંચાયતમાં આવતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી જશે. આ ઉપરાંત VCEને કોઈ વીમા કવચ પણ આપવામાં ન આવ્યું હોવાનું જણાવ્યું છે. આ સર્વેની કામગીરી માટે સર્વે નંબર દીઠ 15 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે જે ઓછું છે. ખરેખર 50 થી 60 રૂપિયા ચુકવવા જોઈએ તેમ VCEનું કહેવું છે. આમ તમામ મોરબી જિલ્લાના VCEઓએ એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપની કામગીરીનો બહિષ્કાર કરીને કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ :- દામજીભાઈ વેકરીયા (મોરબી)