વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર વિશેષ ઝુંબેશ

ભાવનગર:
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે વિવિધ સ્ટેશનો, કોચિંગ ડેપો, આરોગ્ય એકમો અને કચેરીઓમાં પર્યાવરણીય સંરક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. એ જ અંતર્ગત, ૨૨ મે થી ૨ જૂન સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશન અને રેલવે કોલોનીમાં આરોગ્ય નિરીક્ષકની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, ૨૨ મેના રોજ સફાઈ કર્મચારીઓ અને મુસાફરોને પર્યાવરણીય પ્રદૂષણ તથા પ્લાસ્ટિક ઉપયોગ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. દરેકને પર્યાવરણને બચાવવાના પ્રતિજ્ઞા લેવાની અપીલ કરવામાં આવી.

૨૫ મેના રોજ, આરોગ્ય નિરીક્ષક-ટીમ દ્વારા ટર્મિનસ સ્ટેશન પર સામાન્ય શૌચાલય, વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ અને ડસ્ટબીનોની વિશેષ સફાઈ કરવામાં આવી. ૨૬ મેના રોજ પ્લેટફોર્મ પર સ્ટોલ માલિકોને પર્યાવરણીય પ્રદૂષણ અને રિસાયક્લિંગ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

૨૭ મેના રોજ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત સફાઈ અભિયાન હાથ ધરાયું જેમાં સ્ટેશન આસપાસ અને વાહન પાર્કિંગ વિસ્તારોની સફાઈ કરવામાં આવી.

અને ૨ જૂન ૨૦૨૫ ના રોજ રેલવે ગાર્ડનની સફાઈ સાથે પ્લાસ્ટિક બેગની જગ્યા પર કાપડ અથવા શણની થેલીના ઉપયોગ વિશે મુસાફરોને સમજાવ્યું અને પર્યાવરણને અનુકૂળ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું.

આ અભિયાને યોગદાન આપનાર તમામ કર્મચારીઓ અને જાગૃત મુસાફરોને આરોગ્ય નિરીક્ષક-ભાવનગર ટીમ દ્વારા આભાર પાઠવાયો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ