જૂનાગઢ, તા. ૩ જુલાઈ: વિકાસશીલ ભારતના યુવાનો હવે માત્ર દેશની અંદર જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા છે. આ વાતને સાબિત કરી છે અમરેલીના યુવા નેતા હર્ષ મુકેશભાઈ સંઘાણીએ, જેમણે હાલમાં જ આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) ની યુવા સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટણી જીતીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
હર્ષ સંઘાણી ICAના ૧૩૦ વર્ષના ઈતિહાસમાં વૈશ્વિક પદે ચૂંટાતા પ્રથમ ભારતીય બન્યા છે, જે માત્ર હર્ષ માટે નહિ પરંતુ સમગ્ર ભારતીય સહકારી ક્ષેત્ર માટે પણ ગૌરવભર્યો ક્ષણ ગણાયો છે. આ પ્રસંગે ICA એશિયા પેસિફિકના અધ્યક્ષ ડો. ચંદ્રપાલસિંહ યાદવ, ઈફકોના મેનેજીંગ ડિરેક્ટર યુ.એસ. અવસ્થીએ, તેમજ ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીની અધ્યક્ષ ગીતાબેન સંઘાણીએ હર્ષને શુભેચ્છાઓ પાઠવી હતી.
ICA – જેનું સ્થાપન વર્ષ ૧૮૯૫માં લંડનમાં થયું હતું અને મુખ્ય મથક બ્રુસેલ્સ, બેલ્જિયમમાં છે – તે વિશ્વના ૧૦૫ દેશોમાં કાર્યરત છે, જેમાં ૩૦૬ સહકારી સંગઠનો અને ૧ અબજથી વધુ સભ્યો જોડાયેલા છે. આ સંગઠનનો હેતુ વિશ્વભરમાં સહકારના સિદ્ધાંતોનું રક્ષણ, સહયોગ અને વિકાસ માટે કાર્ય કરવો છે.
યુવા સમિતિના કાર્યોમાં સહકારી સંગઠનોને માર્ગદર્શન, તાલીમ, નીતિ વિકાસ તથા વૈશ્વિક સ્તરે સહયોગ સ્થાપવાનો સમાવેશ થાય છે. આ સમિતિના કાર્ય ક્ષેત્રમાં ચાર ઝોન – આફ્રિકા, એશિયા-પેસિફિક, યુરોપ અને અમેરિકાઓ – સમાવિષ્ટ છે.
હર્ષ સંઘાણીની વાત કરીએ તો, તેઓએ અગાઉ ગુજરાત વિધાનસભાની યુવા એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ કર્યું છે. તેમનું નેતૃત્વ માત્ર રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર પણ નોંધપાત્ર રહ્યું છે. ICA જેવી વૈશ્વિક સંસ્થા સાથે તેમને ભારતના યુવાનોને વૈશ્વિક પ્રોજેક્ટ્સ સાથે જોડવાનો અવસર પણ મળ્યો છે.
દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “આ ચૂંટણી માત્ર હર્ષ માટે નહિ, પણ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. ભારતના યુવાનો હવે ICA જેવા વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે વિશ્વમાં ભારતની સહકારી શક્તિને ઉજાગર કરે છે.”
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ