વિશ્વ સિંહ દિવસ – 2025 : બરડા વન્યજીવ અભયારણ્ય – એશિયાટિક સિંહ માટેનું વિકસતું સંરક્ષણ રહેઠાણ.

ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય આજે એશિયાટિક સિંહના સંરક્ષણ અને વૈજ્ઞાનિક પુનઃસ્થાપનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં શિકાર ક્ષેત્ર રહ્યું હતું, પરંતુ આજે તે સિંહ સહિત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ માટે સલામત આશ્રયસ્થાન છે.

તાજેતરની ગણતરી મુજબ, બરડામાં 17 એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ છે. 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય પાનખર જંગલો, વાંસના ઝાડ, ઋતુગત નદીઓ અને ઐતિહાસિક સ્થળોથી સમૃદ્ધ છે. અહીં 650થી વધુ વનસ્પતિ જાતિઓ અને ચિતલ, સાંભર, નિલગાય, દિપડા સહિતના પ્રાણીઓ તથા 260થી વધુ જાતિના પક્ષીઓ વસે છે.

સિંહ પુનઃસ્થાપન યાત્રા
એક સમયના લુપ્ત થયેલા સિંહો અહીં પાછા લાવવા માટે વન વિભાગે Habitat સુધારણા, શિકાર પ્રાણીઓની ઉપલબ્ધિ, આરોગ્ય ચકાસણી અને વૈજ્ઞાનિક species reinforcement કાર્યક્રમ હાથ ધર્યો. 2023માં એક પુખ્ત નર સિંહના કુદરતી આગમન બાદ પાંચ માદા સિંહોને સ્થળાંતરીત કરવામાં આવ્યા, જેના પરિણામે બચ્ચા જન્મી નવું પ્રાઇડ વિકસ્યું. આ સફળતાને કારણે બરડાને “પ્રોજેક્ટ લાયન” હેઠળ સેટેલાઇટ પોપ્યુલેશન-8 જાહેર કરવામાં આવ્યું.

માલધારી સમુદાય અને સહઅસ્તિત્વ
અભયારણ્યમાં વસતા આશરે 1200 માલધારી પરિવારો પરંપરાગત પશુપાલન સાથે સહઅસ્તિત્વનું મોડેલ રચે છે. વન વિભાગ દ્વારા પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકા વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.

સંરક્ષણના ખાસ પગલા

  • ચિતલ અને સાંભર સંવર્ધન કેન્દ્રો દ્વારા શિકાર પ્રાણીઓની સંખ્યા વધારવી

  • આક્રમક છોડ દૂર કરી ઘાસના મેદાનો પુનઃસ્થાપિત કરવું

  • મોબાઇલ વેટનરી યુનિટ, રેસ્ક્યુ ટીમો અને આરોગ્ય કેમ્પો

  • GPS ટ્રેકિંગ, કેમેરા ટ્રેપ, ડ્રોન નિરીક્ષણ અને રાત્રિ પેટ્રોલિંગ

ઇકો-ટૂરિઝમ અને જનજાગૃતિ
બરડા જંગલ સફારી દ્વારા પ્રશિક્ષિત સ્થાનિક માર્ગદર્શકો મુલાકાતીઓને નિયંત્રિત રીતે અભયારણ્યની મુલાકાત કરાવે છે. પાર્કિંગ, આરામગૃહ અને માહિતી બોર્ડ જેવી સુવિધાઓ સાથે રોજગાર અને સંરક્ષણ જાગૃતિ બંનેને પ્રોત્સાહન મળે છે.

નિષ્કર્ષ
બરડા એશિયાટિક સિંહ માટેનું વિકસતું વૈકલ્પિક રહેઠાણ છે, જે કુદરતી પરિસ્થિતિ, વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને સમુદાય સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંથી ઉઠતી ગર્જના માત્ર સિંહની જ નથી, પરંતુ ગુજરાતના ગૌરવશાળી સંરક્ષણ અભિગમની સાક્ષી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ