વેરાવળ શહેરમાં આવેલા હુડકો સોસાયટી સ્થિત સ્વામી લિલાશાહ મહારાજના આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ ભક્તિભાવ અને આધ્યાત્મિકતાની ઉજવણી સાથે સંપન્ન થયું।
સિંધી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત આરતીથી થઈ હતી, જેમાં ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા ગવાયેલા સત્સંગ પદોએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો. આગળ હવન વિધિનું આયોજન પણ ધર્મવિધી મુજબ કરવામાં આવ્યું હતું. બહેનો માટે રાખડી સ્પર્ધા તેમજ ઝુલેલાલ બાલક મંડળીના બાળકો દ્વારા સંયોજનિત ભજનસભા એ ખાસ આકર્ષણ રહ્યાં હતા.
મહાઆરતી પછી ગુરુપૂજન અને ત્યારબાદ લંગર પ્રસાદ વિતરણ દ્વારા સમગ્ર કાર્યક્રમનો સમાપન થયો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના શ્રેષ્ઠીઓ, ધાર્મિક આગેવાનો તથા ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી.
આ વિશેષ આયોજનને સફળ બનાવવા સ્વામી લિલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોની મહત્વની ભૂમિકા રહી હતી.
વિશેષ જણાવી દઈએ કે, પ.પૂ. સંત શિરોમણી સ્વામી લિલાશાહ મહારાજે પોતાના જીવનકાળમાં માનવસેવા, આધ્યાત્મિક જ્ઞાન અને વ્યસનમુક્તિના સંદેશ દ્વારા અનેક લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવ્યા છે. તેઓ વેદાંતના ઉત્કૃષ્ટ ઉપદેશક તરીકે ઓળખાતા હતાં. કુરિવાજો અને સામાજિક રુઢિઓ સામે સંઘર્ષ કરીને સમાજમાં નવી વિચારધારા લાવવામાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સમૂહે તેમને સ્મરણ કરીને તેમનાં સંસ્કારને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ