વેરાવળમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ — ૧૪ કૃતિમાં પ્રતિભાનો મનમોહક મંચ.

વેરાવળ, તા. — રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા વેરાવળ ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ.

સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલી દ્વિ-દિવસીય સ્પર્ધાના પ્રથમ દિવસે વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, લોકગીત/ભજન, તબલા અને હાર્મોનિયમ જેવી કૃતિઓમાં સ્પર્ધકોને પોતાનો લહાવો દેખાડવાની તક મળી.

બીજા દિવસે લગ્ન ગીત, સમૂહ ગીત અને સુગમ સંગીત જેવી કૃતિઓમાં પણ ઉલ્લેખનીય ભાગીદારી જોવા મળી. કુલ ૧૪ વિવિધ કૃતિઓમાં વેરાવળ તાલુકાની શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સંસ્થાઓના સ્પર્ધકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી અનુસાર કલા મહાકુંભનો હેતુ કળાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવાનો તથા સમકાલીન કલા અને સંસ્કૃતિને આગળ ધપાવવાનો છે. આ મંચ દ્વારા યુવાનોમાં કલા પ્રત્યેની જાગૃતિ સાથે નવોદિત કલાકારોને રાજ્યસ્તર સુધી પહોંચવાની તક મળી રહી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ