વેરાવળ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક જાગૃતિ’ રેલી યોજાઈ!

વેરાવળ:
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વેરાવળમાં ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક જાગૃતિ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ ચોપાટીથી ટાવરચોક સુધી યોજાયેલી આ રેલીનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે કર્યું હતું અને તેઓ રેલીમાં જોડાયા હતા.

રેલી પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ‘વૃક્ષ બચાવો, પાણી બચાવો’ વિષયક નુક્કડ નાટક રજૂ કરાયું હતું, જેમાં પાણીની કમી અને વૃક્ષો કપાવાના પરિણા વિશે સતર્કતા લાવવામાં આવી.

કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વેરાવળ નગરપાલિકા દ્વારા ‘માય થેલી’ અભિયાન અંતર્ગત સખી મંડળની મહિલાઓ જૂના કપડામાંથી કાપડની નવી થેલી બનાવી નાગરિકોને વિતરે છે.

આ રેલી દરમિયાન નાગરિકોને લાઉડસ્પીકર અને બેનર્સથી પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો’, ‘પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો’ જેવા સૂત્રો સાથે ‘સ્વચ્છ ભારત કા ઇરાદા કર લીયા હમને’ અને ‘કસમ યે ખાયેંગે, પ્લાસ્ટિક હટાયેંગે’ જેવા ગીતો ગાયા ગયા.

રેલીમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ઉપ કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ડી.વાય.એસ.પી વી.આર.ખેંગાર, પ્રાંત અધિકારી વિનોદ જોશી અને અન્ય અગ્રણીઓ, શિક્ષકો, એન.સી.સી. કેડેટ્સ, વેપારીઓ અને નાગરિકો જોડાયા હતા.


અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ