ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોની સુવિધા અને સમયની આવશ્યકતા મુજબ નવા રૂટો શરૂ કરવાની પરંપરા અંતર્ગત, ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ભાવનગર જવા માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા શરૂ કરાયેલ આ રૂટનું ઉદ્ઘાટન આજે બપોરે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે લીલી ઝંડી આપીને કર્યું.
ધારાસભ્યએ પ્રસ્થાન પહેલાં બસમાં મુસાફરી કરીને તેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો સાથે સંવાદ કરી એસ.ટી. દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે માહિતગાર થયા. વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાના જણાવ્યા મુજબ, આ નવી સેવા શરૂ થતાં ભાવનગર તરફની મુસાફરી વધુ સરળ બનશે.
વેરાવળ-ભાવનગર એસ.ટી. બસ વાયા કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા માર્ગે દોડશે. બસ વેરાવળમાંથી બપોરે 15:15 કલાકે ઉપડી રાત્રે 22:00 કલાકે ભાવનગર પહોંચશે. ભાવનગરથી સવારે 05:30 કલાકે પ્રસ્થાન કરીને બપોરે 12:15 કલાકે વેરાવળ પહોંચશે. ઉપરાંત, ભાવનગરથી રાત્રે 21:30 કલાકે નીકળતી બસ વહેલી સવારે 04:15 કલાકે વેરાવળ પહોંચશે.
મુસાફર જનતાને આ નવી સુવિધાનો લાભ લેવા એસ.ટી. તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ