કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ “આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લા ખાતેથી જન જાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. આદિજાતિ વિકાસ ગાથા અંતર્ગત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આદિજાતિ અમૃત્તકુંભ રથયાત્રાનું પરિભ્રમણ સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમાપન કાર્યક્રમમાં મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના ૭૫ વર્ષ પછી દેશના વીર સપૂતોને સન્માન અપાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાને કેન્દ્ર સરકારે યાદ કરીને વર્ષ ૨૦૨૧થી જન જાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે,જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાએ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
માત્ર ૨૫ વર્ષની ઉંમરે શહીદી વ્હોરી દેશના અમર એવા બિરસા મુંડાએ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે તથા લોકોને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રેમ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. તેમણે અંગ્રેજો સામે લડત આપીને જમીની કાયદાઓ સામે વિરૂદ્ધ નોંધાવ્યો હતો.મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન,મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે માનગઢની ધરતીના સંત એવા ગુરુ ગોવિંદને યાદ કર્યા હતા. આ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આગામી સમયમાં આદિવાસી સમાજનો ભુલાયેલો ઇતિહાસ જી.સી.આર.ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે, જેથી કરીને આવનાર પેઢી દેશની આઝાદીના લડવૈયાઓને ઓળખી શકે. તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે વાત કરી હતી જેમાં આયુષ્માન ભારત, જનધન યોજના, આવાસ યોજના વગેરે થકી છેવાડાના વ્યક્તિને પણ લાભ મળી રહે તે મુજબ સરકારે કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના બંધુઓની ચિંતા કરીને એકલવ્ય મોડેલ સ્કૂલ, આશ્રમ શાળાઓ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સી શાળાઓ શરૂ કરીને શિક્ષણનું સ્તર વધાર્યું છે. રાજ્યમાં આજે આવી ૮૦૦ ઉપરાંતની શાળાઓ છે જેમાં ૨,૭૦૦૦૦/ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા દરેક સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે.
વિદ્યાર્થી દીઠ સરકારને વર્ષે ૧,૧૦૦,૦૦/ જેટલો ખર્ચ આવે છે. સરકારશ્રીની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગની સિકલ સેલ બીમારી અંગે ફિલ્મનું નિદર્શન કરાયું હતું. આ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી, દાંતા પ્રાંત અધિકારીશ્રી સિધ્ધિ વર્મા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ :- બ્યુરો,પાલનપુર)