
સોમનાથ (તા.11 મે):
આજે ભારતીયો માટે શ્રદ્ધાનો એક વિશિષ્ટ પ્રસંગ રહ્યો હતો. સૌરાષ્ટ્રના રત્નાકર તટ પર આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
ભારતના સ્વાતંત્ર્ય પછી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પના પરિણામે નવસર્જિત થયેલા સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવી હતી. એ સમયની સ્મૃતિને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે.
આ વ્હેલી સવારે 9:46 વાગ્યે, એટલેકે યથાવત સમયે, ભવ્ય મહાપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મંદિર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિવલિંગ પર ભૂતકાળની ઘડી યાદ કરાવતા ત્રિપુંડ શૃંગારની પ્રતિકૃતિ પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ અવસરે સરદાર પટેલની સ્મૃતિમાં સરદાર વંદના અને પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર તથા તિર્થ પુરોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે મહાશૃંગાર આરતી સાથે દીપમાળાનો અર્પણ કરાશે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગૂંજતો બનશે.
આ કાર્યક્રમ દ્વારા માત્ર સોમનાથ મંદિર નહીં, પણ દેશના ધર્મ, સંસ્કૃતિ અને અખંડ શ્રદ્ધાનો પણ ભવ્ય ઉત્સવ ઉજવાયો હોવાનું દરેક ભક્તોએ અનુભવ્યું હતું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ