વેરાવળ, તા. 3 — સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવનું ઉદ્ઘાટન અને સંસ્કૃત સંભાષણ વર્ગોનો સમાપન સમારોહ ભવ્ય રીતે યોજાયો.
વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃત ભાષા આપણા વેદ, પુરાણ, દર્શન અને આધ્યાત્મિક પરંપરાનો આધારસ્તંભ હોવાનું કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું. તેમણે ઉમેર્યું કે, જેમ કર્ણાટકનું મુત્તુર અને યુ.પી.નું જિરહી ગામ રોજિંદા વાર્તાલાપમાં સંસ્કૃતનો ઉપયોગ કરે છે, તેમ ગીર સોમનાથના નાગરિકો પણ સંસ્કૃત બોલે એ માટે પ્રયત્નશીલ થવું જોઈએ. યુનિવર્સિટીના પ્રયાસો સંસ્કૃત ગૌરવ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં નાટક અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરી, જેને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી. નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની અને ઈન્ચાર્જ કુલપતિ નરેન્દ્ર પંડ્યાએ યુનિવર્સિટીના સંસ્કૃત સંવર્ધનના પ્રયાસોને બિરદાવ્યા.
૨૩ સંસ્કૃત સંભાષણ વર્ગોમાં અંદાજીત ૧,૦૦૦ લોકોએ ભાગ લીધો. આ અવસરે કલેક્ટર સહિતના મહાનુભાવો સંસ્કૃત પ્રદર્શન નિહાળવા ગયા, જ્યાં વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં જ પ્રદર્શનની માહિતી આપી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, રજીસ્ટ્રાર ડૉ. મહેશકુમાર મેત્રા, પ્રાધ્યાપકો, ઋષિકુમારો અને શૈક્ષણિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ