પાલનપુર, 05 માર્ચ 2025
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે ૩ માર્ચ – વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે એક દિવસીય “ટ્રી વોક” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો ઉદ્દેશ વનસ્પતિની ઓળખ અને તેના સંવર્ધન પ્રત્યે રુચિ વિકસાવવો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન અને પ્રવચન
કાર્યક્રમનું ઉદ્ઘાટન મહાવિદ્યાલયના આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષશ્રી ડો. એસ.ડી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું. મદદનીશ પ્રાધ્યાપક ડૉ. વિશાલ વાનખડે દ્વારા તમામનું સ્વાગત અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું. ડૉ. એન. વી. સોની દ્વારા વિશ્વ વન્યજીવ દિવસનું મહત્વ અને જૈવ વૈવિધ્યના સંવર્ધન અંગે મહત્વની માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન
વિદ્યાર્થીઓને શ્રી જયદીપભાઈ ગઢીયા દ્વારા કેમ્પસમાં જોવા મળતી વનસ્પતિઓની ઓળખ, વૈજ્ઞાનિક નામ, ઉપયોગિતા અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ૧૦૪ જાતની અલગ-અલગ વનસ્પતિઓની નોંધણી કરવામાં આવી, જે કેમ્પસની પર્યાવરણીય સમૃદ્ધિને દર્શાવે છે.
શૈક્ષણિક સંશોધન અને જૈવ વિવિધતા જાળવવા પ્રેરણા
આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંવેદનશીલતા અને જૈવ વિવિધતા જાળવવાના પ્રયાસો માટે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. કાર્યક્રમના અંતમાં મદદનીશ પ્રાધ્યાપક ડો. એચ.એન. ઝાલા દ્વારા સમારોપ કરવામાં આવ્યો.
આ વિશેષ કાર્યક્રમમાં વડોદરાના વનસ્પતિશાસ્ત્ર નિષ્ણાત શ્રી જયદીપભાઈ ગઢીયા, વિદ્યાલયના પ્રાધ્યાપકશ્રીઓ અને વૈજ્ઞાનિકશ્રીઓ, તેમજ વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ઉપસ્થિત રહી.
📍 લોકેશન: દાંતીવાડા | અહેવાલ: માહિતી બ્યુરો