સુરત :
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલખ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલખ તૂટી પડી હતી. જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા. જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. બે યુવકોના હાથમાં લોખંડની એગલ હાથમાં આવી જતા લટકી જતાં બચી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, રાધા રમણ ટેકસ્ટાઈલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલખ બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલખ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને મોન્ટુ પાસવાન, સંતોષ વૈધ્ય સહિત 8થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા. ત્યારબાદ પાલખ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા.
સંતોષ, મોન્ટુ, મિંકુ, મંગેશ અને શિવમ મિશ્રા પાલખ ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા. પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા. દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલખ તૂટી પડ્યો હતો. જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા. સંતોષ, મોન્ટુ અને મિન્કુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલમાં બે યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગેની જાણ થતા સારોલી પોલીસ પણ દોડી આવી હતી. સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)