સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભવ્ય રક્ષાબંધન પર્વની ઉજવણી યોજાઈ. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ, તારીખ 08-08-2025ના રોજ દાદાને વિશેષ રાખડી શણગાર કરવામાં આવ્યો. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી.
પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજના દિવસે કષ્ટભંજનદેવને વિશેષ વાઘા પહેરાવી, સિંહાસન પર હજારો બહેનોએ મોકલેલી રાખડીઓથી શણગાર કરવામાં આવ્યો. બહેનોએ મોકલેલા પત્રો પણ દાદા સમક્ષ અર્પણ કરવામાં આવ્યા. “મારા દાદાને મારી રાખડી” અભિયાન અંતર્ગત ભક્તો દ્વારા મોકલવામાં આવેલી દરેક રાખડી દાદાને ધારણ કરાવવામાં આવી.
રાખડીઓમાં વિવિધતા જોવા મળી — આર્ટિફિશિયલ, ઉન, કાપડ, મોરપંખ, બાણ આકાર, કોડીયા અને મોતીવાળી, ફૂલવાળી, શ્રીરામના મુખવાળી, દાદાના ફોટાવાળી, પેન્ટિંગવાળી, ઘૂઘરીવાળી, ઇન્ડિયા મેપવાળી, ચોખામાંથી બનેલી હનુમાન ચાલીસાવાળી, તેમજ વિવિધ આકાર-પ્રકારની રાખડીઓ. તેમાં 3 ફૂટ, 2 ફૂટ અને 1.5 ફૂટની વિશેષ રાખડીઓ પણ સામેલ હતી.
દેશ-વિદેશમાંથી આવેલી રાખડીઓમાં આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને UAE સહિતના દેશોમાંથી મોકલેલી રાખડીઓનો સમાવેશ થાય છે. સોના અને ચાંદીની રાખડીઓ સહિત રાજ્ય, દેશ અને વિદેશમાંથી કુલ 30થી 35 હજાર રાખડીઓ દાદાને અર્પણ થઈ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ