ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામે આજે એક કમકમાટીભર્યા અકસ્માતમાં 58 વર્ષની મહિલા શારદાબેન રમેશભાઈ ગુજરાતીનું ઘટનાસ્થળે જ દુર્ઘટનાજનક મોત નીપજ્યું છે.
મૃતક શારદાબેનનો દીકરો અને વહુ સુરતથી ખાનગી લક્ઝરી બસ દ્વારા રામધરી આવી રહ્યા હતા, ત્યારે માતા શારદાબેન બસ રોકવાના આશયથી રસ્તા નજીક ઊભા રહ્યા હતા. એ સમયે બસના ડ્રાઈવરે ધ્યાન ન આપતાં શારદાબેનને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ સાથે ઘટના સ્થળે જ તેમનું મોત થયું.
હાદસો સર્જનાર ખાનગી લક્ઝરી બસ “સાઈનાથ” બ્રાન્ડની હોવાની વિગતો સામે આવી છે. બસનો નંબર GJ 01 DV 1538 છે, અને આ બસે અકસ્માત સર્જ્યો છે.
દુર્ઘટનાની માહિતી ગામમાં ફેલાતા ગામલોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. હાલ પોલીસએ સ્થળ પર પહોંચી આગળની તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે જરૂરી કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગામમાં આ દુર્ઘટનાને લઈ દુઃખની લાગણી જોવા મળી રહી છે અને મૃતક પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે.
અહેવાલ : સતાર મેતર, સિહોર