ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આજે વિકાસના અનેક કાર્યોનો પ્રારંભ થયો હતો. સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) તેમજ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત કુલ ૩૦ લાખના ખર્ચે વિવિધ સુવિધાલક્ષી કાર્યોનું લોકાર્પણ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત સિહોર નગરપાલિકા માટે ૨૦ લાખના ખર્ચે નવીનતમ સુવિધાવાળી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી એમ્બ્યુલન્સ સિહોર શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓને વેગ આપશે. સાથે જ સોનગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ૫ લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક સારવાર સુવિધા ઝડપી બનશે.
તે ઉપરાંત, સિહોર તાલુકાના પીપળીયા ગામે ૫ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ એટલે કે “આંબેડકર ભવન”નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવન સ્થાનિક ગ્રામજનો માટે સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે. ગામમાં સામાજિક સુખાકારી તથા સાંસ્કૃતિક કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આ કોમ્યુનિટી હોલ મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે ગ્રામ્ય તથા શહેરી બંને વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનું મજબૂત નેટવર્ક ઉભું કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે વિકાસલક્ષી યોજનાઓનો હેતુ દરેક ગામ સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે જેથી સામાન્ય નાગરિકોને લાભ મળી શકે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, પ્રાંત અધિકારી, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, ભરતભાઈ મેર, રાજુભાઈ ફાળકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક જનતાએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા વિકાસલક્ષી કાર્યો ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
સિહોર તાલુકામાં એક જ દિવસે ૩૦ લાખના વિકાસ કાર્યોનો આરંભ થવાથી લોકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર