સિહોર નગર પાલિકામાં વિકાસની ગતિ : 9 વોર્ડોમાં 23 જેટલા સ્થળોએ રોડ વર્ક શરૂ – વોર્ડ નં. 4 ના ઔદિચ્ય છાત્રાલય બાજુના રોડનું ખાતમુહૂર્ત.

સિહોર નગરમાં વિકાસકાર્યોને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ 15મી નાણાપંચની યોજના હેઠળ નગર પાલિકાને મળેલ ગ્રાન્ટનો લાભ સીધો નાગરિકોને મળી રહ્યો છે. આ યોજનાઓ અંતર્ગત નગર પાલિકા વિસ્તારમાં આવેલા 9 વોર્ડોના કુલ 23 જેટલા લોકેશન્સ પર સી.સી. રોડ, આર.સી.સી. રોડ તેમજ પ્લેવર બ્લોકના કામો હાથ ધરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે.

આ અંતર્ગત આજે વોર્ડ નં. 4 માં આવેલા ઔદિચ્ય છાત્રાલય બાજુના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિહોર નગર પાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી, તેમજ પાલિકાના સભાસદોની હાજરી રહી હતી.

સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા જણાવાયું હતું કે રોડ વર્ક શરૂ થતાં વિસ્તારના લોકો લાંબા સમયથી અનુભવતા અડચણો દૂર થશે અને નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને વરસાદી સીઝનમાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે.

નગર પાલિકા તંત્રના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અન્ય વોર્ડોના રસ્તાઓ પર પણ તબક્કાવાર રીતે કામો શરૂ થશે અને વિકાસ કાર્યો પૂર્ણ થતાં નગરમાં પરિવહન સુગમ બનશે.


અહેવાલ : સતાર મેતર, ભાવનગર