આજ રોજ સિહોર પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને સેન્ટ મેરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્ષા બંધન પર્વની અનોખી અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી.
તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવવાને બદલે જનતાની સુરક્ષા અને સેવા માટે 24 કલાક તત્પર રહેતા પોલીસ જવાનોના ત્યાગને માન આપવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનો તથા સેન્ટ મેરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજા સહિત સ્ટાફના તમામ પોલીસ જવાનોને રાખડી બાંધી. બહેનો દ્વારા રાખડી સાથે મીઠાઈ પણ અર્પણ કરવામાં આવી અને પોલીસ જવાનોના દીર્ઘાયુષ્ય, સુખાકારી અને સલામતી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું કે,
“જનસેવાના આ પવિત્ર કાર્યમાં પોલીસ જવાનો તહેવારોના દિવસોમાં પણ ફરજ પરથી પાછા નથી હટતા. આજે બહેનો અને વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને અમને પરિવાર જેવી લાગણી આપી, જે અમારો મનોબળ વધારશે.”
કાર્યક્રમ દરમ્યાન બહેનો દ્વારા રક્ષા બંધનનો આધ્યાત્મિક અર્થ અને પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસના બાંધણ અંગે પણ સંદેશ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, બ્રહ્માકુમારી સેન્ટરનાં સભ્યો, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભાઈ-બહેનના સ્નેહ અને દેશપ્રેમથી પરિપૂર્ણ બન્યું હતું.
અહેવાલ: સતાર મેતર, સિહોર