
વડોદરા, તા. ૬ મે ૨૦૨૫:
વડોદરા શહેરના સુભાનપુરા સહયોગ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં લટકતા વીજ વાયરના સંપર્કમાં આવી પહેલાં એક નિર્દોષ કૂતરાનું મોત નીપજ્યું અને તેને બચાવવાનો પ્રયાસ કરતા ૫૫ વર્ષીય જીતેશભાઈ મોરે નામના વ્યક્તિનું પણ વિદ્યુત કરંટથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, સોમવાર સાંજના સમયે વાવાઝોડા અને વરસાદ દરમિયાન વીજ થાંભલા પરથી એક જીવંત વાયર તૂટી પડ્યો હતો, જે સહયોગ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયેલ સ્થાન સુધી પહુંચી ગયો હતો. પાણીમાં કરંટ ઉતરતા એક રાંધી રહ્યું કુતરુ તડફડતું હતું, તેને જોયે જીતેશભાઈ મોરે તેને બચાવવા દોડ્યા હતા. પરંતુ, દુઃખદ રીતે તેઓ પોતે જ વીજ વાયરના સંપર્કમાં આવી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું.
ફાયર બ્રિગેડ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરીને મૃતદેહને વાયરમાંથી દૂર કર્યો હતો. ત્યાર બાદ જીતેશભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક નિર્દોષ જીવને બચાવવા આગળ આવેલા માણસે પોતાનો જીવ ગુમાવ્યો, જે માનવતાનું અનોખું ઉદાહરણ તો બની છે, પરંતુ સાથે જ તંત્રની બેદરકારીને પણ અવગણે એવી ચેતવણીરૂપ ઘટના બની છે. લોકો દ્વારા જાહેર વિસ્તારોમાં લટકતા વાયરો અંગે વીજ કંપની સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવવામાં આવી છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક જીતેશભાઈ મોરેના પરિવારજનો અને સ્નેહીજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
અહેવાલ :– હર્ષ પટેલ, વડોદરા