સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા અકસ્માત સર્જાયો

સુરત

સુરત શહેરમાં શનિવાર રાતથી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે રાત્રે, રવિવારે બપોરે અને આજે સોમવારે સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ તો વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો છે ત્યાં તો સુરત મનપાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલવા લાગી છે.

ઠેરઠેર પાણી ભરાવા લાગ્યા છે અને રસ્તા પણ બેસવા લાગ્યા છે. અડાજણમાં રસ્તો બેસી જતા એક ડમ્પરનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. જેના કારણે ટ્રક નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે.

વધુમાં મળતી માહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો દરમિયાન ટ્રકનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર રસ્તામાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત )