સુરત :
સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષાચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળિયો અને ઢીકમુક્કીનો માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.27મી તારીખે રાત્રે કતારગામ લલીતા ચોક્ડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર(24)(રહે, લલીતા ચોકડીના ફૂટપાથ પર, કતારગામ ફૂટપાથના બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો અને બાંકડા પર બેસવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો ગયોહતો.
મિત્રો સાથે મળી રિક્ષાચાલક માર મારતો હોવાનું CCTVમાં કેદ
આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી હતી. આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષાચાલકને તે ઓળખતો હતો. આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જેમાં અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે ત્રણેયને ઊંચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો.
પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી. જેમાં 3 શખ્સો માર મારતા દેખાયા હતા. જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષાચાલક અને તેના બે મિત્રો હોવાનું ખૂલ્યું હતું. આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.જેમાં પોલીસે હત્યારા રિક્ષાચાલક સોહનસિંહ મારવાડા (રહે, મગનનગર સોસા. કતારગામ), તેનો મિત્ર રાહુલ સકપાલ (રહે, રામા રેસીડન્સી, મોરાભાગળ, રાંદેર) અને મેહુલ ઉનાગર(રહે, યમુનાપાર્ક સોસા, ડભોલી)ની ધરપકડ કરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)