સુરત :
સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓનો સમય અને ઈંધણ વધારે વેડફાતું હોય રિક્ષા ચાલકો દ્વારા મુસાફર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાડાના વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધો હતો. તેના પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
મહિલાઓએ માંગ કરી છે કે, જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે. તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ. સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે. તેને પણ ઘટાડવો જોઈએ. જેથી રીક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે. બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમા પણ ઘટાડો થાય.
એક મહિલાએ કહ્યું કે, ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે. અમારી ત્રણ મુખ્ય માંગો છે. રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે. તેને પણ ઘટાડવામાં આવે. આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)