સુરત :
સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર કરતાં કરતાં પોતે જ બીમાર હોય તેવું સામે આવી રહ્યું છે. જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી ગઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયું રહ્યું છે. જેમાં હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના G-0 વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતાં થોડાક સમય માટે ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.
નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી નથી. તેમજ કોઈપણ આગળની તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. મેધરાજા ધીરે-ધીરે સુરતમાં આગમન કરી રહ્યાં છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના તંત્રને આ વાતની કોઈ ગંભીરતા નહિ હોય તેમ જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના વડા ડોકટર પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. ઘટનાને પગલે અમારી ટીમ સ્થળે જઇને આવી છે. તેમજ પીઆઇયુના એક્સપર્ટ પણ સ્થળની વિઝિટ કરી છે. ભવિષ્યમાં કોઈ દર્દીને તકલીફ નહિ થાય તે માટે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ શિફ્ટિંગ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)