સુરતની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો ફરી પર્દાફાશ

વિવાદના પર્યાય સમા સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટીલિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. ત્યારે આપના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટર્સે બસમાં મુસાફરી કરીને પોલ ખોલી નાખી હતી. ત્યારે આ અંગે પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન જાણે કે લાચારીની મુદ્રામાં આવી ગયા હોય તેમ કહ્યું કે, હું આ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.

પુણાગામ થી અમેઝીયા સુધી મુસાફરી કરી જેમાં H351 નંબરની ગાડી માં ગેરરીતી સામે આવી હતી. જેમાં કંડક્ટર ટિકિટ નોહ્તો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા, મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે. ટિકિટના દસ ને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નોહતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે.

સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે SMC ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવાની ફરી વાત કરતાં કહ્યું કે,અમે એજન્સીથી ત્રાહિમામ થયા છીએ. આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે. ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડ્રાઈવર અને કંડકટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 500 કંડકટર અને 250 જેટલા ડ્રાઈવર ને બ્લેકલિસ્ટ કર્યા હતા. જયારે બસ એજન્સી ને કોન્ટ્રાકટ આપ્યો તે એક મોટો સવાલ છે. એજન્સી SMC પર હાવી થઈ રહી છે. હું આ બાબતે હું પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.