સુરતમાં જમવા મુદ્દે ઝઘડો કરી દીકરાએ માતાને ઉતારી મોતને ઘાટ

સતયુગમાં દીકરાઓ સપૂત હતાં પરંતુ, કળિયુગમાં કપૂત થઈ ગયા હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના ખટોદરામાં 85 વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો.

 

 

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓડિશાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. માતા બંગાલી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો. માતાએ જમવાનું માંગ્યું હતું. જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી.જેથી અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો. હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો.