સુરતમાં દારૂ પાર્ટી પર જનતા રેડ, રંગમાં ભંગ પડતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો.

સુરત :

Advertisement

રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાંથી જ પકડાય છે. આ સાથે જ દારૂ પીને જાહેરમાં તમાશો કરતા હોવાના અનેક બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાં દારૂ પાર્ટી કરીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની છે. ફ્લેટના ઘાબા પર દારૂ પાર્ટી ચાલતી હતી ત્યારે એપાર્ટમેન્ટના લોકોએ જનતા રેડ કરીને તે લોકોને રંગે હાથે પકડ્યા હતા. જેના કારણે માથાભારે શખ્સોએ હુમલો પણ કર્યો હતો. જણાવી દઈએ કે, આ મામલે દસ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દારૂ પીને જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. કાગડવાલા એપાર્ટમેન્ટમાં માથાભારે શખ્સોની ધાબા પર દારૂ પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન ફ્લેટના રહેવાસીઓએ જનતા રેડ કરીને રંગે હાથ પકડ્યા હતા. ત્યારે ધાબા પર દારૂ સાથે જુગાર પણ રમવામાં આવી રહ્યો હતો. ધાબા પર અચાનક જ એપાર્ટમેન્ટના લોકોએ છાપો મારી દારૂ પાર્ટી ઝડપી પાડતા જુગારીઓમાં ભાગદોડ થઈ ગઈ હતી.

એપાર્ટમેન્ટના લોકોએ માથાભારે શખ્સોના રંગમાં ભંગ પાડતા રોષે ભરાયા હતા. જેને લઈને માથાભારે શખ્સોએ જનતા રેડ કરવા આવેલા રહીશો પર જીવલેણ હુમલો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ મારામારીની ઘટનામાં એક મહિલાને ઈજા પણ પહોંચી હતી. જેને લઈને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)

Advertisement