સુરતમાં બાઇક-કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત યુવક 30 ફૂટ હવામાં ઉછળ્યો બાઇકનો કચ્ચરઘાણ

સુરતના અડાજણ વિસ્તારમાં આંખના પલકારામાં જ ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે (16 ડિસેમ્બર) વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા નીકળ્યા હતા. ત્રિપલ સવારીમાં પૂરઝડપે જઈ રેહેલા યુવકોની સ્પોર્ટ બાઇકે એક કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક 30 ફૂટ હવામાં ફંગોળાયો હતો, જ્યારે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણમાં વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા માટે સ્પોર્ટ બાઇક લઇને નીકળ્યા હતા. ત્યારે રસ્તો ક્રોસ કરી રહેલી કાર સાથે ધડાકાભેર બાઇક ટકરાઇ હતી. જેમા ત્રણેય યુવકોને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કાર રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી બાઇક તેની સાથે ટકરાય છે.