સુરત :
સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં 1.35 લાખથી વધુની મતા લઈને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે લૂંટેરી દુલ્હન દલાલ સહિતના ત્રણને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે રહેતા 39 વર્ષીય યુવકના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો. આ બાબતે સગા સંબંધીઓને વાત કરી રાખી હતી. જોકે ગત જૂન મહિનામાં તેના ઓળખીતા હસમુખ કાકાએ ડીંડોલીના વિપુલ ડોબરીયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. વિપુલ અને જ્યોતિએ સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી. સાથે જ કહ્યું કે, સંજનાના પિતા હયાત ન હોવાથી જ્યોતિને 1.5 લાખ રૂપિયા આપવા પડશે. વિપુલ ડોબરીયાને દલાલી પેટે 20,000 અલગથી આપવાના રહેશે. સાથે સંજનાને લગ્નમાં એક સોનાનો દાણો અને ચાંદીના છડા તથા બે ચાર જોડી કપડા આપવાના રહેશે.
તમામ બાબતો નક્કી થયા બાદ ગત 13. 6. 2024ના રોજ સંજના સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા. લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા. જ્યાં સંજનાના ઓરીજનલ ડોક્યુમેન્ટ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ બની શક્યો નહોતો. જો કે, લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું કે, મારી દાદીની તબિયત સારી નથી. મહારાષ્ટ્રથી સુરત આવી છે. મારે તેમના ખબર અંતર પૂછવા જવું છે. જેથી મને મૂકી જાવ. આથી સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડીંડોલી સાંઈ પોઈન્ટ સુધી બાઈક ઉપર મૂકી આવ્યો હતો. ત્યારબાદ સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું કે, હવે હું એ ઘરે આવવાની નથી. ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતા જ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંજના, જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તેની તપાસ આગળ ધપાવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)