સુરતમાં શિયાળામાં સ્વાસ્થ્ય આપતા નીરોમાં ભેળસેળ! આરોગ્ય વિભાગ 8 જગ્યાએથી લીધા સેમ્પલ

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ શિયાળાની ઋતુમાં નીરાનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે. ત્યારે નીરોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નીરાના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 8 જગ્યાએ તપાસ કરીને 8 સેમ્પલ લઈને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.શિયાળાની ઋતુમાં લોકો સ્વસ્થ રહેવા માટે નીરાનું સેવન કરતાં હોય છે અને હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સુરત શહેરમાં નીરાનું વેચાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. નીરાને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક પ્રવાહી માનવામાં આવે છે.

એવામાં શહેરીજનોને કોઈ આરોગ્યલક્ષી તકલીફ ઊભી ન થાય તે માટે નીરાના સેમ્પલ લેવાની કામગીરી મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનવવામાં આવી હતી અને સુરતમાં ઘોડદોડ રોડ, કતારગામ, ઉધના, ચોકબજાર ભાગળ સહિતના વિસ્તારોમાં તપાસ કરીને આ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.