
થોડા સમય પહેલા જિલ્લા પંચાયત સુરત અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના ૭૦ ગામોના ૭૫ થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા પર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ભાવ ભરનાર ૪૧ ઈજારદારોને તળાવોની ફાળવણી કરવમાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે ૪૧ તળાવોના ઈજારદારોને પાંચ વર્ષ માટેના ઈજારા માટેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ૪૧ તળાવોને ઈજારા પર આપવાથી ગ્રામ પંચાયતોને ઈજારાના સમયગાળા દરમિયાન ૪.૫ કરોડથી વધુની માતબર આવક થશે.

જેમ કે, આ ઈજારાથી ઓલપાડ તાલુકાની ભટગામ ગ્રામ પંચાયતને દર વર્ષે ૧૯ લાખ થી વધુની આવક થશે. તેવી જ રીતે માંડવી તાલુકાની કરંજ ગ્રામ પંચાયતને દર વર્ષે ૬ લાખ થી વધુની આવક થશે. આમ, ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓની વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે. જેથી ગામના વિકાસને વેગ મળશે. વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની પણ જાળવણી થશે.