સુરત શહેરના ઉપરવાસના જિલ્લા, તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વિયર કમ કોઝ-વે ખાતે નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા.

સુરત

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે સુરતનો વીયરકમ કોઝવેની સપાટી 6 મીટર સુધી પહોંચી ગયી હતી. કોઝવેની સપાટી 6 મીટર પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોઝવે ખાતે નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યા છે.

સિઝનમાં પ્રથમવાર કોઝ-વે ઓવરફ્લો

રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે.બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લા, તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વિયર કમ કોઝ-વેની સપાટીમાં પણ વધારો થયો છે. કોઝવે તેની સપાટી કરતાં ઉપરથી વહેવાનો શરૂ થઈ ગયો છે. ગત વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં ઓવરફ્લો થયો હતો. આ વખતે વરસાદ વિલમથી શરૂ થતા જુલાઈ મહિનાની શરૂઆતમાં કોઝ-વે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)