સુરત :
સુરત શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને લીધે જમીન પોચી થવાના કારણે શહેરમાં બે જર્જરીત મકાન પડી જતાં તંત્ર દોડતું થયું હતું.
મળતી માહિતી પ્રમાણે આજે સવારે શહેરના કોટ વિસ્તાર મહીધરપુરામાં ભવાનીવડ હનુમાન શેરીમાં બે મકાન ધરાશાયી થયા છે. હનુમાન શેરીમાં આવેલા બે જર્જરીત મકાન 5/1078 અને 5/1079 પડી ગયા છે. આ દુર્ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાન ઘણું જૂનું હોય જર્જરીત થઈ ચૂક્યું હતું. જેના લીધે પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ દુર્ઘટનામાં મકાનના ચોથા માળે રહેતાં એક વ્યક્તિને માથામાં ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના લાશ્કરોએ બચાવ અને કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)