સોંદરડા ખાતે “હું કાળી છોકરી અને સૂરજ” તથા “બૌદ્ધ ભિક્ષુ નારદ” પુસ્તકનું વિમોચન.

કેશોદ તાલુકાના સોંદરડા ગામે સાહિત્યપ્રેમીઓ માટે યાદગાર પ્રસંગ બન્યો હતો. અહીં દિલીપ દવે સંપાદિત તથા પ્રખ્યાત સાહિત્યકાર ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા દ્વારા રચિત બે મહત્વપૂર્ણ પુસ્તકો “હું કાળી છોકરી અને સૂરજ” અને “બૌદ્ધ ભિક્ષુ નારદ” ના વિમોચનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.

આ વિમોચન સમારંભમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદાએ પોતાના નવા ગ્રંથોની રચનાત્મક યાત્રા અને બૌદ્ધ ધર્મ અંગે વિગતવાર સમજ આપી હતી. સાથે સાથે ધ્રુવભાઈ દવેએ રાધા અષ્ટમીના પ્રસંગની પ્રેરણાદાયક વાતો કરી હતી. મિલિન્દભાઈ રાણવાએ બૌદ્ધ ધર્મના પંચશીલના તત્ત્વોની ચર્ચા કરી, જ્યારે જીતુભાઇ પુરોહિતે કવિનાં કાવ્ય વિશે સુંદર વિચારો વ્યક્ત કર્યા હતા.

અરવિંદભાઈ કોઠડીયાએ પણ હૃદયસ્પર્શી શબ્દોમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અદિતિ દવેએ કરી, જે ખૂબ જ પ્રશંસનીય રહ્યું. દિલીપભાઈ દવેએ કાર્યક્રમના અંતે સ્વાગત અને આભાર વ્યક્ત કર્યા હતા. અંતમાં ઉપસ્થિત મહેમાનોને મીઠું મોઢું કરાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ