જૂનાગઢ, તા. 18 : સોમનાથ-જેટપુર નેશનલ હાઈવે પર ગડુ ખાતે આવેલ વ્રજમી નદી પરના બે મુખ્ય પુલોની રીસ્ટોરેશન કામગીરી પૂર્ણ થવાના તબક્કે છે. આજે જિલ્લાના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ પુલોની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
રીસ્ટોરેશન કામગીરી પૂર્ણ થતા આવતીકાલે તા. 19 જૂલાઈથી બન્ને પુલ વાહનચાલકો માટે ખુલ્લા મુકવામાં આવશે. અહીં 73.2 મીટર અને 99.0 મીટરની લંબાઈ ધરાવતા પુલોના સમારકામ અને પુનર્વસન માટે છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે આ પુલોને નુકસાન પહોંચ્યું હતું, જેના લીધે આ રસ્તો ખાસ કરીને સોમનાથ તરફ જતા યાત્રાળુઓ માટે સમસ્યા બની ગયો હતો.
કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનને પગલે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સૂચન પર રીપેરિંગ અને રીસ્ટોરેશનનું કામ શરૂ કરાયું છે. આ માટે ખાસ ટીમો બનાવીને ઇન્સ્પેક્શન પણ હાથ ધરાયું છે. કલેક્ટરે પુલ ઉપર રિફ્લેકટર લગાડવા અને ટેકનિકલ સુરક્ષા બાબતોનું ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ પણ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ રૂ. 171 કરોડના ખર્ચે જેટપુરથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેના નવા નિર્માણ અને મરામતનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં વ્રજમી નદીના પુલનું કામ પૂર્ણ થતાં હવે યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોના પ્રવાસમાં નોંધપાત્ર રાહત મળશે. હવે માત્ર સોરઠ ચોકી નજીકના મેજર પુલનું કામ બાકી છે, જે આગામી 10 દિવસમાં પૂર્ણ થવાની આશા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ