
સ્થળ: સોમનાથ
તારીખ: 26/04/2025
અહેવાલ: દિપક જોશી, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ચૈત્ર માસની કૃષ્ણ ત્રયોદશી નિમિતે ઉજવાયેલી માસિક શિવરાત્રી ભક્તિ અને શ્રદ્ધાથી ભરી ગઈ હતી.
દર મહિને ઉજવાતી માસિક શિવરાત્રીના અવસરે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે સોમનાથ ખાતે ઉમટી પડે છે.
આજરોજ પણ પરંપરાગત પ્રણાલિકા મુજબ સોમનાથ મંદિર સમીપ સ્થિત યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક તીર્થ પુરોહિતોના માર્ગદર્શન હેઠળ દૈનિક 121 રુદ્રી પાઠ અને હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો, જેમાં મહાદેવજી માટે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.
જ્યોતપૂજન સમયે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, વ્યંકટેશ્વર વૈદિક યુનિવર્સિટી ના કુલપતિ સદાશીવ મુર્તિ રાની, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ મોટી સંખ્યામાં તીર્થ પુરોહિતો અને ભાવિકો હાજર રહ્યા હતા.
મધ્યરાત્રિએ 12:00 વાગ્યે મહાદેવજીની મહાપૂજા અને મહાઆરતી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદોથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો.
મહાઆરતીનો પાવન પ્રસંગ નિહાળવા હજારો શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.