જૂનાગઢ શહેરની શૈક્ષણિક ઓળખ સમાન અને સાવાજુર્જિત ઇતિહાસ ધરાવતી બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “આદર્શ મહાવિદ્યાલય” તરીકે પસંદ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલી પાંચ કોલેજોમાં જૂનાગઢની બે કોલેજ — બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ — નો સમાવેશ થતા સમગ્ર જિલ્લામાં આનંદની લહેર ફેલાઈ છે.
શૈક્ષણિક ગુણવત્તા, આધુનિક માળખું અને સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મંજૂરી આપી છે. બંને કોલેજોને રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે જેમાં ડિજિટલ લાઈબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક સેમિનાર હોલ, તેમજ ઇન્ક્યુબેશન સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. બંને કોલેજો માટે રૂ. 1.5 કરોડની ગ્રાન્ટ સ્વીકૃત થઈ છે.
૧૯૦૧ થી શૈક્ષણિક યાત્રા શરૂ કરનાર આ કોલેજે સમગ્ર સદીથી વધુ સમયગાળામાં ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં વિશેષ સ્થાન મેળવી લીધું છે. આજે પણ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ GSIRF માં 4 સ્ટાર અને NIRF માં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 77મું સ્થાન ધરાવે છે. તો બીજી તરફ આર્ટ્સ કોલેજ પણ ભવ્ય ઈમારત અને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરતી પ્રદેશની અગ્રણી કોલેજ તરીકે ઓળખાય છે.
તાજેતરમાં બંને કોલેજોને રીનોવેશન માટે તદન જુદી જુદી 3 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. હોસ્ટેલોના સમારકામ તેમજ નવા બાંધકામ માટે પણ સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવ્યા છે.
વિદ્યા જગતની આ ઐતિહાસિક સિદ્ધિને રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ પણ ઉચ્ચ પ્રશંસા આપી હતી અને કોલેજના આચાર્યો સાથે ભવિષ્યના વિકાસ માટે પ્રેરણાદાયી વાતો કરી હતી.
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ