“સ્વનિધિ સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા બેંકર્સ સાથે મિટીંગ યોજાઇ.

વડોદરા

કેંદ્ર સરકાર ની નેશનલ શહેરી આજીવિકા મિશન અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના દ્વારા ફેરિયાઓને ખુબ ઓછા વ્યાજે રૂ.૧૦૦૦૦, રૂ.૨૦૦૦૦ અને રૂ.૫૦૦૦૦ રકમની લોન સહાય દ્વારા કોવીડ સમય દરમ્યાન બંધ થયેલા રોજગારને ફરી રોજગાર ઉભો કરવા માટે સરકાર દ્વારા બેન્ક ના સહયોગથી ફેરિયાઓને લોન આપવામાં આવી હતી. આ ફેરિયાઓ વધુ મગભર અને તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તે ઉદ્દેશ થી સરકાર દ્વારા “સ્વનિધિ સે સમૃદ્ધિ” કાર્યક્રમ અમલમાં આવેલ છે. જે યોજના અંતર્ગત સરકારશ્રીની ૮ અલગ અલગ યોજનાઓનો લાભ આ ફેરિયાઆઓના પરિવારોને અપાવા પાત્ર થાય છે. જેવી કે પી.એમ.સુરક્ષા વીમા યોજના, પી.એમ.જીવનજ્યોતિ વીમા યોજના, પી.એમ. શ્રમયોગી માનધન યોજના, પી.એમ. જનધન યોજના, પી.એમ. માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, વન નેશન વન રેશન વગેરે.

આ યોજના અંતર્ગત સદર યોજનાનો લાભાર્થીઓને લાભ આપી શકાય તે માટે ૮ અલગ અલગ યોજના સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગો જેવા કે, બેન્ક, આઇ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, શ્રમવિભાગ, મામલતદાર કચેરીની પુરવઠા વિભાગ વગેરે વિભાગોને સાથે રાખી ડભોઇ નગરપાલિકા દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં જિલ્લાના લીડ બેંક મેનેજરશ્રી, શ્રી લખનસિંગ મીનાની હાજરીમાં તાલુકા પંચાયત કચેરી, ડભોઇ ખાતે આ મિટિંગ યોજાઈ, જેમાં આ યોજનાના મેનેજરશ્રી મહેશભાઇ પરમાર દ્વારા આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ સદર યોજનાઓનો લાભ વધુ ને વધુ લાભાર્થી સુધી પહોંચાડી શકાય તે માટે અપીલ કરી હતી. સાથે સાથે અન્ય તાલુકા કક્ષાએ યોજાતી બી.એલ.બી. સી. મિટિંગ પણ યોજી સરકારી યોજનાઓમાં બેન્ક દ્વારા કરવાની થતી કામગીરીની સમીક્ષા પણ લીડ બેંક મેનેજર સાહેબ દ્વારા કરવામાં આવેલ હતી. આ મિટિંગમાં ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટના મેનેજર મહેશભાઇ પરમાર, અર્ચના પરમાર, સમાજ સંગઠક પ્રવિણભાઇ બારીયા, ડભોઇ અર્બનના ડો. જાનવી ચૌધરી અને ડભોઇ નગરની તમામ બેન્કના મેનેજરશ્રી તથા આ યોજના સાથે જોડાયેલ અન્ય વિભાગના પ્રતિનિધિ પણ ખાસ હાજર રહ્યા હતાં.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)