ભાવનગર, તા. ૮ — દેશભરમાં ઊજવાઈ રહેલા “હર ઘર તિરંગા” અભિયાન 2025ને યાદગાર બનાવવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં વિવિધ સાંસ્કૃતિક અને દેશપ્રેમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત તા. 08.08.2025ના રોજ મંડળ રેલ પ્રબંધક કાર્યાલયમાં “તિરંગા પ્રદર્શન”નું ભવ્ય આયોજન થયું. પ્રદર્શનનું ઉદ્ઘાટન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માજીના કરકમળે તથા અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્માજીની ગૌરવસભર ઉપસ્થિતિમાં થયું.
પ્રદર્શનના અવસરે ભાવનગર મંડળના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા. કેન્દ્રીય વિદ્યાલય, મહિલા સમિતિ સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિરના નાનકડા બાળકો અને શિક્ષકો પણ હાજર રહ્યા અને તિરંગા પ્રદર્શનને નિહાળી દેશપ્રેમની અનુભૂતિ કરી. પ્રદર્શનના વિવિધ વિભાગોમાં રાષ્ટ્રીય ધ્વજનો ઈતિહાસ, તિરંગાની મહત્તા, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝલક તથા દેશભક્તિથી પ્રેરિત ચિત્રો અને મોડેલ્સ રજૂ કરાયા.
અભિયાનની સાથોસાથ મંડળ કાર્યાલયના સભાગૃહમાં દેશપ્રેમ આધારિત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું પણ આયોજન થયું. આ સ્પર્ધામાં કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ના વિદ્યાર્થીઓ તથા મંડળ કાર્યાલયના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા. સ્પર્ધામાં વિવિધ જૂથો વચ્ચે જ્ઞાન અને ઝડપની હરીફાઈ જોવા મળી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા જૂથોને સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનજીના માર્ગદર્શન હેઠળ કાર્મિક વિભાગ દ્વારા થયું. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોએ “હર ઘર તિરંગા” અભિયાનની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને દેશના પ્રતીકો પ્રત્યે ગૌરવભાવ વધુ મજબૂત બને છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ