
સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન વધારવા અને જનહિત માટે માર્ગ સલામતી અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ ટ્રાફિક શાખા દ્વારા સઘન ઝુંબેશો ચલાવવામાં આવી રહ્યા છે. હેલ્મેટ જાગૃતિ ઝુંબેશ અને ટ્રાફિક ચેકિંગ અભિયાનના પરિણામે શહેરમાં જીવલેણ અકસ્માતો તથા માથાની ઈજાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
2024માં 15મી ફેબ્રુઆરીથી 30 એપ્રિલ દરમિયાન 75 જીવલેણ અકસ્માતો થયા હતા, જ્યારે 2025માં તે જ સમયગાળામાં આ આંકડો ઘટીને 57 પર આવી ગયો હતો – એટલે કે 24 ટકાનો ઘટાડો થયો છે. તે જ રીતે, શહેરની વિવિધ હોસ્પિટલોના ડેટા મુજબ, માથાની ઈજાના કેસોમાં 22.73 ટકા ઘટાડો નોંધાયો છે – 286 કેસોથી ઘટીને માત્ર 65 કેસો થયા છે.
ઝુંબેશની વ્યાપક કામગીરી
હેલ્મેટ જાગૃતિ ઝુંબેશ 1 જાન્યુઆરી 2025થી શરૂ કરી 45 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સભાઓ, કાર્યક્રમો અને નિમિત્તો દ્વારા ચલાવવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરાયું. શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું. ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર લોકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ ભેટ આપી જાગૃત કરવામાં આવ્યા. થિયેટરોમાં વીડિયો ક્લિપ્સ, હેલ્મેટ વાહનો પર એલઈડી મેસેજ, તેમજ ઓડિયો જિંગલ્સ દ્વારા પણ જનજાગૃતિ પેદા કરવામાં આવી.
કડક કાર્યવાહી અને ટ્રાફિક ચેકિંગ
19 એપ્રિલથી 2 મે 2025 દરમિયાન સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીમાં ચાલી રહેલા સઘન ટ્રાફિક ચેકિંગ અભિયાનમાં કુલ 3,356 કેસમાં દંડસપત ચલણ ફટકારવામાં આવ્યા.
● બ્લેક ફિલ્મ: 656 કેસ
● ફેન્સી નંબર પ્લેટ: 1,183 કેસ
● ટુ-વ્હીલર પર ટ્રિપલ સવારી: 1,150 કેસ
● રોંગ સાઇડ ડ્રાઈવિંગ: 287 કેસ
● નશામાં ડ્રાઈવિંગ: 22 કેસ
● ઓવરલોડ વાહન અટકાયત: 58 કેસ
પોલીસનું માનવું છે કે આવા ઉલ્લંઘનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોવાથી તેના પર કડક કાર્યવાહી જરૂરી હતી.
શહેરમાં સ્પીડ લિમિટ નક્કી
ટ્રાફિક દબાણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રાફિક શાખાએ મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 112 (2) મુજબ શહેરમાં નવી ગતિ મર્યાદા નક્કી કરી છે:
● ભારે અને મધ્યમ વાહનો: 30 કિમી/કલાક
● ફોર-વ્હીલર: 50 કિમી/કલાક
● થ્રી-વ્હીલર: 30 કિમી/કલાક
● ટુ-વ્હીલર: 40 કિમી/કલાક
આ હુકમના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થશે.
ચાર રસ્તાઓ પાસે પાર્કિંગ પર પ્રતિબંધ
શહેરના ચાર રસ્તાઓ તથા જંકશનથી 50 મીટર ત્રિજ્યા સુધીનો વિસ્તાર હવે ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. કોઈપણ યાંત્રિક કે બિન-યાંત્રિક વાહન પાર્ક નહીં કરી શકાય. આ નિયમ ઈમરજન્સી સેવાઓ માટે લાગુ પડતો નથી.
નિષ્કર્ષ:
આ સર્વગ્રાહી ઝુંબેશ અને નિયમિત ચેકિંગના પગલાંઓએ સુરતમાં માર્ગ સલામતી માટે સકારાત્મક પરિણામો આપ્યા છે. આવનારા સમયમાં પણ આવા પ્રયાસો સતત ચાલુ રહેશે એવી પોલીસની સ્પષ્ટતા છે.