મતદાન 19 જૂન અને મતગણતરી 23 જૂનએ યોજાશે
જુનાગઢ: ૮૭-વિસાવદર વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણી માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ તૈયારી અંગે વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ 2,61,092 મતદારોમાં 1,35,609 પુરુષો, 1,25,479 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો સમાવિષ્ટ છે. મતદાન તા. 19 જૂન અને મતગણતરી 23 જૂનના રોજ યોજાશે.
આ વિસ્તારમા 294 મતદાન મથકો રહેશે, જેમાં 17 શહેરી અને 277 ગ્રામ્ય મથકો છે. 294 મથકો માટે 1884 કર્મચારીઓ તૈનાત કરાયા છે. તમામ મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એક મતદાન મથક “કનકાઈ શેડો” વિસ્તારમાં હોવાથી ત્યાં સંદેશા વ્યવહાર માટે અદ્યતન જંગલ ખાતાનો ઉપયોગ થશે.
ઉમેદવારો માટે 40 લાખ રૂપિયાની ખર્ચ મર્યાદા રાખવામાં આવી છે. ચૂંટણી નિરીક્ષણ માટે વિવિધ ટુકડી- વિડીયો નિરીક્ષણ (VST), વિડીયો દેખરેખ (VVT), સ્થાપી દેખરેખ (SST), ફલાઈંગ સ્કવોડ અને એકાઉન્ટીંગ ટીમો બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતા અમલવારી માટે 4 MCC ટીમો કાર્યરત છે.
વરસાદને ધ્યાને લઈને ઇવીએમ, વીવીપેટ અને અન્ય સામગ્રીની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ બનાવવા તમામ જરૂરી પોલીસ તૈનાતી અને આંતર જિલ્લાઓમાં ચેકપોસ્ટ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને 19 જૂનના દિવસે મતદાન કરવા અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે આગ્રહ કર્યો છે.
અહેવાલઃ નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ