અંધકારથી વિહોણા જીવનમાં પણ દાંપત્યના દીપક જગાવી શકાય, તેવું ઉત્તમ ઉદાહરણ બની રહે તેવી ઘટના હાલમાં જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન શાહ હોલમાં સર્જાઈ.
સેવા અને કરુણાની જીવતી જાગતી પરંપરાને આગળ ધપાવતા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય દ્વારા 103માં પ્રજ્ઞાચક્ષુ ATM લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ લગ્નમાં અગરબત્તી વેપારથી જીવન નિર્વાહ કરતા પવનકુમાર વાસ્તવ અને ગીતાબેન આપારાવ જીવનસાથી બન્યા.
આ પ્રસંગે સંસ્થાના નિયામકો મનસુખભાઈ વાજા અને મુકેેશગીરી મેઘનાથીના માર્ગદર્શન હેઠળ, અનેક સેવાભાવી દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ છે કે લગ્ન વિધિ શાસ્ત્રી ગોપાલકૃષ્ણભાઈ દ્વારા વિના મૂલ્યે સંપન્ન કરાવાઈ હતી.
લગ્ન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ચેતનાબેન પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, બટુકબાપુ, કમલેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ જોશી, શાંતાબેન બેસ, દયાબેન પરમાર, મોહનભાઈ સાવલિયા સહિત અનેક સામાજિક કાર્યકરો અને દાતાશ્રીઓ જોડાયા હતા.
આ પ્રસંગે અંધ કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા લગ્ન ગીતો ગાઈને આખા વાતાવરણને ઉજળાવ્યું, અને સમગ્ર સમારોહમાં સહાનુભૂતિ અને આનંદનું આભામંડળ છવાઈ ગયું હતું.
આ સેવાકીય યજ્ઞ માટે દાતાઓનો સહયોગ અનમોલ હોવાનું મંડળના પ્રમુખોએ જણાવ્યું હતું અને ભાવિ પ્રસંગોમાં પણ આવા સેવા કાર્યને યથાવત્ રાખવાનો નિશ્ચય વ્યકત કર્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ